wel come jayeshpala
  Gujarati Poems
 
Avinash Vyas કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ (Avinash Vyas) જીવનકાળ: જુલાઈ 21, 1911 થી ઓગષ્ટ 20, 1984. ગુજરાતી ચલચિત્રોમાં આપેલા ગીત-સંગીતથી લોકપ્રિય થયેલા. જેમણે ‘પાંદડું લીલું ને રંગ રાતો’ કાવ્ય-સંચય આપેલો. કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો; કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો, બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો, દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો; કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. માવડીની કોટમાં તારાનાં મોતી, જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ; છડી રે પુકારી માની મોરલો ટહુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા, અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં; ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો, મારી મેંદીનો રંગ મદમાતો. ભૂલી રે પડી હું તો રંગના બજારમાં લાગ્યો મને રંગ કેરો છાંટો.. પાંદડું.. રેશમની કાયા તારી જાણે લજામણી, લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી, રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો. વાયરાની લ્હેરમાં લ્હેરાતો.. પાંદડું.. રંગરસિયા, જરા આટલેથી અટકો, દિલને લોભાવે તારા લોચનનો લટકો; વારી વારી થાકી તોયે છેલ રે છબીલા તું તો અણજાણે આંખમાં છુપાતો.. પાંદડું.. છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું? છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું? ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને? હાય! કાળજાની કોરે વાગ્યો કાંટો.. પાંદડું.. રાખનાં રમકડાં રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.. રાખનાં રમકડાં.. બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે.. રાખનાં રમકડાં.. એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે..રાખનાં રમકડાં.. તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી, તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ.. રાખનાં રમકડાં.. શ્રી કરસનદાસ માણેક (Gujarati Kavi Shri Karsandas Manek) શાને આવું થાય છે ? મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે ! ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ! કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!! પગ મને ધોવા દ્યો રઘુરાય – દુલા ભાયા 'કાગ' ‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી... પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨); નાવ માંગી નીર તરવા (૨), ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧ ’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨); તો અમારી રંક-જન ની (૨), આજીવિકા ટળી જાય, પગ મને. ૨ જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨) ’અભણ કેવું યાદ રાખે (૨), ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩ ’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨) ઊભા રાખી આપને પછી (૨), પગ પખાળી જાય.’ પગ મને. ૪ નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨); પાર ઊતરી પૂછીયું ‘તમે (૨), શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫ ’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨); ’કાગ’ લ્યે નહિ ખારવાની (૨), ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬ આજે જ્યારે દુલા ભાયા 'કાગ'ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)
 
  Today, there have been 7 visitors (11 hits) on this page!  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free